ઇડરના સાબલીના શિક્ષકશ્રી ડૉ.મીનાબહેન એફ મનસુરી દ્વારા શિક્ષણ અંગે થઈ રહી છે ઉત્તમ કમગીરી

 

ઇડરના સાબલીના શિક્ષકશ્રી ડૉ.મીનાબહેન એફ મનસુરી દ્વારા શિક્ષણ અંગે થઈ રહી છે ઉત્તમ કમગીરી

*જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે થઈ પસંદગી

'શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મેં  પલતે હૈ' એ સફળ ઉક્તિને ચરિતાર્થ કરતા ડૉ.મીનાબેન એફ મનસુરી સાબલી જૂથ પ્રાથમિક શાળામાં ૨૦૧૪ થી  મુખ્ય પ્રાથમિક શિક્ષક તરીકે શિક્ષણનું ઉત્તમ કાર્ય કરી શિક્ષણની સુવાસ પાથરી રહ્યા છે. મૂળ સાબરકાંઠા જિલ્લાના ઇડરના સાબલીના વતની ડૉ.મીનાબહેન એફ મનસુરીએ ગુજરાતી ભાષામાં પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે.શિક્ષણક્ષેત્રેની કામગીરી અંગે વાતચીત કરતા તેઓ જણાવે છે કે વર્ષ ૧૯૯૮માં શિક્ષક તરીકે જોડાયા હતા અને વર્ષ ૨૦૧૪ માં સાબલી જૂથ પ્રાથમિક શાળા ખાતે મુખ્ય શિક્ષક તરીકે જોડાયા છે. આ શાળામાં હાલમાં કુલ ૧૫૫ વિદ્યાર્થીઓ પૈકી ૮૦ કન્યાઓ અભ્યાસ કરી રહી છે. હાલમાં ગુણોત્સવનું પરિણામ ૭૧.૯૫ ટકા છે. તેઓશ્રી જણાવે છે કે વર્ષ ૨૦૧૪માં મુખ્ય શિક્ષક તરીકે જોડાયા તે સમયે શાળા “સી” ગ્રેડમાં હતી. તેઓના અને શાળાની ટીમના અથાગ પ્રયત્નોથી શાળાને “એ” ગ્રેડમાં પહોંચાડવા  સફર રહ્યા છે.વ્યવસાયિક સજ્જતા, વ્યવસાયિક વિકાસ, લેખન સંશોધન જેવા વિવિધ માપદંડો થકી જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામ્યા છે.

  બાળકોમાં શિક્ષણની સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન,જ્ઞાન સાધના વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. વધુમાં તેઓ જણાવે છે કે સાબલી ગામ એક છેવાડાનું ગામ છે.જ્યાં શિક્ષણ અંગે જાગૃતિ ઓછા પ્રમાણમાં છે. તેવામાં બાળકોના સર્વાંગી વિકાસમાં બુધ્ધિક્ષમતા વધે તે માટે  મુખ્ય શિક્ષક ડૉ.મીનાબેન એફ મનસુરી પોતે અંગત રસ દાખવીને પોતાના ફ્રી સમયમાં કે બાળકોના રિસેસના સમયમાં બાળકોને ચેસની રમત શીખવે છે. જેના પરિણામે શાળાના બાળકો જિલ્લાકક્ષાએ ચેસ રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ સાથે આચાર્યશ્રીએ પોતે ચેસ રમતમાં જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ  પ્રતિનિધિત્વ કર્યું છે.સાથે જ બાળકો માતૃભાષા સાથે અંગ્રેજી ભાષા શીખે તે માટે દર વર્ષે સ્વ ખર્ચે બાળકોને પ્રેક્ટિસ માટે ફોર લાઇનના ચોપડા આપે છે. બાળકોમાં સ્વસંચાલન અને પ્રામાણિકતા વિકસે તે માટે બાળકો દ્વારા બચત બેંક અને રામહાટ ચલાવવામાં આવે છે. ગામલોકોના સહિયોગથી સતત શાળાના ભૈતિક વિકાસ અર્થે પ્રયત્નશીલ રહે છે."કામ કરે ઈ જીતે મનવા કામ કરે ઈ જીતે”ની ઉક્તિ જાણે તેમના મનોસ્મૃતિમાં વણાઈ હોય તેમ શિક્ષણની કામગીરી નિષ્ઠાપૂર્વક સુપેરે નિભાવી રહ્યા છે.




Comments